Feb23

જો આ શબ્દોને થોડી ધાર મળશે

ન એનાં જેવું કો હથિયાર મળશે, 
જો આ શબ્દોને થોડી ધાર મળશે.

જો જોવી હોય સપનાઓની દુનિયા, 
તો ટહુકાઓ ની પેલે પાર મળશે.

વસંતે હામ ખરવાની હો એવાં, 
ગણીને પાંદડા બે ચાર મળશે

ડુમા સઘળાં બને હિબકા પછીતો, 
જો કોઈ વાત સાંભળનાર મળશે.

લગાવે મેષ જ્યારે ગાલ પર મા,
જગતનો શ્રેષ્ઠતમ શ્રૃંગાર મળશે.

હવે સંવેદના ક્યાં છે  મિલનમાં 
મળે માણસ તો બારોબાર મળશે.

આ તો વેદાંત, જંગલ માણસોનું 
અહીં વૃક્ષોનો બસ આકાર મળશે. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
.