May1

શું કામ છે?

આંખ બોલે હૈયુ સમજે, કાન નું શુ કામ છે?
આપણી તો વાત નોખી, જ્ઞાન નું શું કામ છે?

યાચવા તરસી રહ્યો છું,દ્વાર તારે ક્યારનો,
જોઇતો છે પ્રેમ તારો, દાન નું શું કામ છે?

જોઇ શંકર આંગણે,બોલ્યા હતા એ દક્ષજી,
સાથમાં છે ભૂતટોળી, જાન નું શું કામ છે?

બાઈ મીરા એ પચાવ્યું, ઝેર તારા નામ પર,
પ્રીત માટે કાન તારી, ભાન  નું શું કામ છે?

સાચવે છે બાળ તારા, ને વળી ભય જગ તણો,
આમ તો આ પાનખર ના પાન નું શું કામ છે?

સરહદો ની બીક ક્યા છે, ભીતરે જો આગ હોય
રાખજે તલવાર ખૂલ્લી, મ્યાન નું શું કામ છે?

સાંભળી મારી ગઝલ, થોડા  નયન ભીંજાય જો,
આપણે "વેદાંત "બીજા, માન નું શું કામ છે?

વિપુલ-વેદાંત(૦૪-૦૯-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.