May22

મજા છે

ઘણી સવલતો છે છતાંયે ખફા છે,
ઘણાંને તો આ જીંદગી પણ સજા છે.

બની નાગ બેઠાં ઘણાં ધનનાં ઢગલે
નથી કાંઈ પાસે તો અમને મજા છે.

ઉદાસી ને કૈ'દો કે પાછી વળી જા,
હજીતો ઉમંગો કતારે ઉભા છે.

આ વાદળ વરસતા નથી સાવ અમથા
નદી સાથે મળવાની નોખી કળા છે.

વહે છે સતત કોઈ ઈચ્છા ની ધારા,
આ માણસનું  મન છે કે શિવની જટા છે?

થશે પથ્થરો લાલ બંને તરફના 
અલગ રંગની બેઉ પાસે ધજા છે.

રમે લાગણી છંદ ના ચોકઠાં માં
ગઝલમાં આ વેદાંત કેવી પ્રથા છે?

વિપુલ માંગરોળીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.