May22

ક્યા આવડે છે ?

કર્યો મિત્રએ વાર જ્યાં,પીઠ ત્યાં ધરતા ક્યાં આવડે છે
ખબર તો પડી, એને માણસને ઓળખતા ક્યાં આવડે છે.

સમયસર પ્રસવ થાય તો પણ અકાળે જ અવસાન પામે,
આ અધખુલ્લી આંખો ને સપનાંય સાચવતાં ક્યાં આવડે છે. 

નયનરમ્ય દ્રશ્યો ને ખળખળ થકી ભીંજવે આ નદીઓ
ઘસાતા  આ પથ્થરની પીડાને સાંભળતાં ક્યાં આવડે છે. 
  
બનાવીને પાંપણને  ક્યારી, મેં આંસું નું સિંચન કર્યું છે,
તને પ્રેમ ની વેલ થૈ ને ય વિસ્તરતાં ક્યાં આવડે છે.

એ હસતો રહ્યો કાળજું એનું કુણું  કપાયું તે છતાં,  
હતો બાપ દિકરીનો , દિલ ખોલીને રડતાં ક્યાં આવડે છે.

સબંધોની સમજણ અને લાગણીઓની કિંમત ભરીને
ઉતારે છે કાગળમાં "વેદાંત", આચરતા ક્યાં આવડે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.