May22

કામ કરી લે

રાત-દિવસ ને એક કરી,છો પૈસા રળવા કામ કરીલે,
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે. 
      માનવતા છે મોંઘી શહેરે માણસ  સાવ જ સસ્તા. 
     ગામ મુકીને ચાલ્યો ત્યાં તો  ડામરીયા છે રસ્તા
     પથ્થરની  બિલ્ડીંગોનાં છે ચોતરફ ગુલદસ્તા
    મળશે ના માટીની સોડમ, ખેતરને પરણામ કરીલે.   
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે. 
      કિંમત છે પૈસાની આજે ,તુયે જાણે ,હુયે જાણું,
     
માનભેર બોલાવે સૌ જો ખિસ્સે ના હોય કોઈ  કાણું ,
     
ખુમારીથી જીવવાનું એ જીવનનું છે સાચું નાણું ,
     
પૈસા સાથે એનું પણ તું થોડું તો સન્માન કરી લે
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન ધરી લે
     બે પૈસા ની આશામાં તું, પોતાની ઓળખ પણ ભૂલ્યો. 
     દિવાળી ધુમાડે ઉજવી, કેસુડો સપનામાં ખીલ્યો
    
સપનાઓની પ્રીન્ટ કઢાવી, પરસેવાથી કાગળ રંગ્યો. 
     લાગણીયુંની પીંછી ગામે, રંગોથી તું સ્નાન કરીલે. 
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે. 
     વાછરડાં પડખે ના ભાળી, ગાયું પણ ભાંભરડા નાખે
     સાંજ પડ્યે વડલા ની ડાળે પંખીડાની રંગત જામે
     ઓછા બોલી માની આંખ્યું ડેલીમાંથી ડોકા કાઢે. 
     હોંકારો આજે પણ મળશે , સાચે ખોટે સાદ કરીલે  
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે. 
     આખો દિવસ રમતો રે'તો  સંતાકૂકડી સૂરજ સાથે
    
ચાંદા હારે રમવું છે પણ ધૂળ ની ડમરી આડે આવે.
     પોચી પોચી  ગાદી છે પણ  નીંદરડી તોયે લલચાવે. 
      એક વિઘાના ફળિયે પોઢી તારા સાથે વાત કરીલે. 
રાત-દિવસ ને એક કરી છો,પૈસા રળવા કામ કરીલે,
મનના નિરણ પાણી માટે ગામ ભણી પણ ધ્યાન કરીલે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in ગીત
.