May22

નીકળ્યો

ધાર્યા કરતાં એ ગજાનો નિકળ્યો
રાખ નીચેથી તિખારો નિકળ્યો.

જોમથી જ્યાં ઝંપલાવ્યું સાગરે,
મધ્ય ભાગે પણ કિનારો નિકળ્યો.

રોજ મારાથી જે ઉલટો ચાલતો
આયનામા અક્ષ મારો નિકળ્યો.

જીવને મેં જીવ માફક સાચવ્યો,
નિકળ્યો તો એકધારો નિકળ્યો.

એટલે આવ્યો એ પણ ધરતી ઉપર
રાગ નરશી નો મજાનો નિકળ્યો.

સાવ ઠંડી  જ્યારે થૈ મારી ચિતા,
માંડ ભીતરથી હું બારો નિકળ્યો.

વિપુલ માંગરોલીયા(વેદાંત) ૨૮-૧૦-૨૦૧૪

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.