May22

મીટાવીએ

એકાંત એનું પણ હવે થોડું મિટાવીએ,
આકાશ  ભાત ભાતના રંગે સજાવીએ.

પંખી બની ભલે ને ઉડી ના શકાયું  પણ,
ઈચ્છાઓ ને પતંગ બનાવી ઉડાવીએ.

વાદળ ઘણા સમયથી ભલે બોલતાં નથી,
વાતો પતંગમાં ભરી બે મોકલાવીએ,

સુંદર બની જશે તો નજર લાગશે તને
ચાલો પતંગ એક તો કાળો ચડાવીએ.

રાતે કદાચ માર્ગ ના મળશે  પતંગ ને,
રસ્તા બતાવવા હવે  ફાનસ લગાવીએ.

દે ઢીલ એટલી કે હવાને ખબર પડે
ઉંચે ચડીને સ્થિર થવાનું શિખાવીએ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.