May22

પ્રવાસમાં

ફરી નવીન ચેતનાઓ આવી આસપાસમાં
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં**.

એ ચાંદ તું ના કર ગુમાન ચાંદની નું એટલું,
મજા મળી છે એનાં સાથની મને અમાસ માં.

નમી છે ફૂલથી ભરેલ ડાળ એજ કારણે
ભરી શકે સુગંધ ખુદ ની એ તમારા શ્વાસ માં.

આ લાગણીઓ પણ અમારી છે પતંગિયા સમી,
ભર્યા છે અવનવા ઘણાંય રંગને લિબાસ માં.

કદી ન રાખવી એ ઝાંઝવાની આશ પણ જરા,
તરસ છિપાવી ના શકે જે હોય જળનાં ભાસ માં.

કબર ઉપર જો આવો તો નકાબ પ્હેરી આવજો,
બને કે બંધ ધડકનો ફરી થી આવે પ્રાસ માં.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )  31/07/2014

** ગની દહીંવાલા

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.