May15

ભણતર જોઈએ

જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એ ઘણું પર જોઈએ. 
ફૂલને સમજાવવા ભમરાનું ભણતર જોઈએ.

આવશે નજદીક તો નખશિખ નિહાળી ના શકો,
આ નિકટતામાં જરા અમથું તો અંતર જોઈએ.

સભ્યતા પ્રાચીન આજે પણ મળે છે દેશમાં
આગને ભડકાવવા આજેય પથ્થર જોઈએ.

દાઝ ને ઈર્ષ્યા છે મનમાં આંખમાં ખુન્નસ ભર્યું,
ઝેર આ દુનિયાના પીવા, લાખ શંકર જોઈએ.

દર્દ ખાલી શબ્દ થી પણ ઓછું થૈ શકશે ઘણું
શબ્દ ને બસ લાગણીનું એક અસ્તર જોઈએ.

વેદના સાચી વિરહની એમ ક્યાં સમજાય છે
એનાં માટે પાર કરવા સાત સાગર જોઈએ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.