May5

પ્રણયની અલગ એક ભાષા રહી છે

પ્રણયની અલગ એક ભાષા રહી છે,
અહીં મૌન પણ એક  બારાક્ષરી છે.

વસંતે કહ્યું કાનમાં પાનખરને,
હવે તો તું પણ કવિની આંખે ચડી છે.

અરીસાની નિષ્ઠા છે એવી ને એવી,
બધાની છબીને અલગ સાચવી છે.

હરણ, ચાંદ, સાકી, સુરા, લાવ પાછા,
ગઝલમાં હજી એની દીવાનગી છે.

મને સ્હેજ અમથો ઈશારો કરી દે, 
મેં તો શ્વાસને ક્યારની ના કહી છે.

હતો શૂન્ય , ચડતા જ શાયરની નજરે,
આ ખાલીપાને પણ પ્રસિદ્ધિ મળી છે,

હતી વૃક્ષ બનવાની ઈચ્છા ઘણી પણ,
અહીં ડાળ માટે જગા સાંકડી છે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 04/05/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.