May15

મોજા વિશે કહો, ન સમંદર વિશે કહો,

મોજા વિશે કહો, ન સમંદર વિશે કહો,*
અંદર ઉઠી રહેલા બવંડર વિશે કહો.

આ ચક્રવ્યૂહ જાતનુ ભેદી શકાય,જો,
આવી શકે જે કામ, એ મંતર વિશે કહો.

વ્રૂક્ષોથી મોટા કોણ છે સંતોની જાતમાં,
થોડુઘણુ એ મસ્ત કલંદર વિષે કહો.

ચોર્યાસી લાખ ફેરા પતી જાય તે પછી, 
થાશે શરૂ નવીન, એ ચક્કર વિશે કહો.

તડકામાં સાથ આપતો,છાંયો થતાં ગયો, 
જીવનને મિત્રતાનાં એ સરવર વિશે કહો.

વધતો રહે જો ફાંસલો તો વ્હેણ ના રહે,
કાંઠાને આ નદીના, સમાંતર વિશે કહો.

બાળકનાં મ્હો ઉપર નથી કોઈ લખાણ પણ, 
અક્ષર ઉકેલતી માનાં ભણતર વિશે કહો.

આદિલ, મરીઝ, શૂન્ય, ને બેફામ છે અમર,
વેદાંતને ગઝલની ધરોહર વિશે કહો.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 15/05/2014

*નયન દેસાઈ 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.