Apr25

સાથે છે પણ અળગા લાગે

સાથે છે પણ અળગા લાગે,
માણસ વચ્ચે પડદા લાગે.

દર્પણની આદત છે ભૂંડી ,
અવળા છે, તે સવળા લાગે. 

સ્વિચોમાં મોસમ અટવાણી,
તડકાને શીતળતા લાગે

થોડો અમથો ગોળ કરી દે,
પથ્થરને  ઈશ્વરતા લાગે.

હાથ જ ક્યાં છે આ ખુરશીને,
તો પણ એના ભરડા લાગે.

કિસ્મત જો સાથે ના હો તો, 
પાણીથી પગ બળતા લાગે.

બાળકના પ્રશ્નોની સામે ,
જીભે લોચા વળતાં લાગે

મંદિરમાં માથું અથડાયું ,
લોકોને શ્રીફળતા લાગે.

પીનારા તો એમજ કહેશે, 
પીવાથી શંકરતા લાગે.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 25/04/2014

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.