Apr30

દોસ્તીને મારી, આજ એવી રીતે આભારી કરી

દોસ્તીને મારી, આજ એવી રીતે આભારી કરી,
ઝાલીને મારો હાથ, ફરિયાદો મને મારી કરી.

સમજી નથી શકતો હજીતો ખુદ મને પણ તે છતાં,
લો આ અરીસાએ પરખવાની મગજમારી કરી.

ઈશ્વર ને પણ ઉર્મીઓ ઠાલવવા બહાનું જોઈએ, 
વાદળ બની એથી વરસવાની અદાકારી કરી.

બસ એક સારું કામ કરવાની હતી ઈચ્છા પછી,
મંદિર ને મસ્જિદ ની વચાળે એક મેં બારી કરી.

તું સાવ થઈ ને બેકદર કાયમ રડાવી જાય છે,
કરવા કદર એ અશ્રુની પાંપણની મે ક્યારી કરી.

આ રંગ તારી બંદગીનો આજ લાગ્યો છે મને, 
કષ્ટો ઉમેરી તેં પછી એમાંય બલિહારી કરી.

મેં મંદિરે દર્શન કરાવું એમ માને કીધું ત્યાં, 
ઈશ્વરને એણે રૂબરૂ મળવાની તૈયારી કરી.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 27/04/2014

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.