Jul1

બસ એક તારા આગમનની આશમાં ને આશમાં

બસ એક તારા આગમનની આશમાં ને આશમાં,
સપનુંય અટવાયું  હવેતો આંખમાં ને આંખમાં

પાસો નજરનો ફેંકી, મારું દિલ ભલે જીતી ગયા, 
પણ જીત નો આનંદ છે, આ હારમાં ને હારમાં

તાકાત છે આ પ્રેમની, માગ્યા વગર સઘળું મળે, 
તું રાખજે તલવાર તારી, મ્યાનમાં ને મ્યાનમાં.

આંખોમાં એની, પછીતો મૌન પણ ટહુકી ઉઠ્યું 
ઉલ્લેખ બસ મારો થયો જ્યાં વાતમાં ને વાતમાં.

સપનામાં આવી બસ તમે, એકાદ પળ ઊભા રહ્યા,
મેં જીંદગી જીવી લીધી, એ રાતમાં ને રાતમાં.

કાં સાવ ખોલી નાખ મુઠ્ઠી કાં કરી દે બંધ તું,
રેખાઓતો ,તો પણ રહેશે, હાથમાં ને હાથમાં.

કારણ હતું બસ એટલું મેં શ્વાસ પણ છોડ્યા નહીં, 
તારી જ અટવાણી સુગંધો, શ્વાસમાં ને શ્વાસમાં. 

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 21/05/2014

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.