May5

નાની નદી ભલે રહું, સાગર થવું નથી

 

નાની નદી ભલે રહું, સાગર થવું નથી
એકજ જગાએ કોઈ દી સ્થાવર થવું નથી

મારાપણાં નાં બોજથી સમજી જવાયું બસ 
માણસ થવાય દોસ્ત તો,  ઈશ્વર થવું નથી. *

જીવન મરણ તો ખેલ છે મારાજ ભાગ્ય નો,
કોઈનીય હારજીતનો અવસર થવું નથી.

મીઠાશ છો મળે,નથી ઓગળવું દૂધમાં , 
અસ્તિત્વનો સવાલ છે, સાકર થવું નથી.

વધઘટ કબૂલ છે મને ચાંદાની જેમ પણ
આ તારલા ની જેમ નિરંતર થવું નથી.

પરવાનગી નડે જો મુલાકાત માં તને
તો મિત્રતામાં એટલું  સધ્ધર થવું નથી

લખવું શું નામ ? રામ લખું કે રહિમ તને, 
શ્રધ્ધા બનું જો દિલની તો અક્ષર થવું નથી.

જીવન બને ગઝલ તો બધી લાગણી ભરું, 
છંદોના ચોકઠા ભરી શાયર થવું નથી.

 

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 05/04/14

* તરહી ગઝલ ગૌરાંગ ઠાકર

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.