Apr5

લાગણીના એક બે અવશેષ છે

લાગણીના એક બે અવશેષ છે, 
આધુનિકતાની મળેલી ભેટ છે.

આંસુને પણ બીક લાગે છે હવે, 
પાંપણે એ પણ હવે અટકેલ છે.

તારથી જોડ્યુ ભલે આખું જગત 
દિલની કેડીઓ હજી નિસ્તેજ છે.

ચાલશે કાયમ બે પગ સાથે છતાં, 
છાપ પગલાંની , અલગ બે વેંત છે.

દે નાં અંગૂઠો હવે એકલવ્ય પણ, 
દક્ષિણાંમાં રૂપિયા નો ખેલ છે

શું બિમારી છે મને એ તો કહો
જે મળે એ પૂછે, તમને કેમ છે?

પાનખરને જોઈને લાગ્યું મને, 
વૃક્ષની શાળામાં પણ ગણવેશ છે

કોઇદી સાંકળ તો ખખડાવી ને જો,
દિલનાં દરવાજા છે, એ ક્યાં જેલ છે!

 

વિપુલ ( વેદાંત ) 13 / 03 / 14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.