Apr5

ખૂલી કરૂં જો આંખ, તું સપનેથી સરકી જાય છે.

ખૂલી કરૂં જો આંખ, તું સપનેથી સરકી જાય છે. 
ડર એટલો છે મોતનો, કે આંખ ક્યાં મીંચાય છે.

હમણાંથી તો આ દિલનાં પણ નખરા વધેલા લાગે છે
નાની અમસ્તી વાત કરવા કેટલું શરમાય છે.

આ કંટકોને ફૂલ સાથે  કૈક તો છે અણગમો,
છે હાજરી એની છતાયે ખુશ્બુઓ ચોરાય છે.

ચાલ્યો મુક્દમો રાતભર આજે આ કાળી રાત પર, 
આરોપ છે  સંગીન, પડછાયા બધાના ખાય છે.

લોહી નિતરતા ઘાવ પર દિલની દુઆ બનશે મલમ,
દિલમાં ઉઝરડા થાયતો પાટોય ક્યાં બંધાય છે

છે કાફિયાનો સાથ ને છંદો બધા તૈયાર છે
કાયમ ખરા ટાણે ગઝલની શેરિયત ખોવાય છે.

વિપુલ ( વેદાંત ) 20/03/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.