Mar14

કારણ વગર ની વાતનું એકાદ કારણ પણ હશે,

કારણ વગર ની વાતનું એકાદ કારણ પણ હશે,

માનવ બન્યો છે તો કરજમાં માનું ધાવણ પણ હશે.

 

કેવાં હશે એ યુધ્ધ જેની વાત આજે થાય છે,

માથા વગરના ધડ લડે ત્યાં કોઈ ચારણ પણ હશે.

 

ભગવાન સાથે શત્રુતા, સોદો નથી કંઈ ખોટનો,

તો મોક્ષની યાદીમાં પ્હેલું નામ રાવણ પણ હશે.

 

પર્વત ની ટોચે, કોખમાં સાગર ની, ફૂલોનું નગર,

અમથું વસે? અદ્રશ્ય એવી કોઈ માલણ પણ હશે.

 

એક શ્વાસ માટે કેટલા ત્રાગા કરે છે માનવી

ખાલી હવા છે તોય એનું થોડું ભારણ પણ હશે.

 

કોશિશ કરી મેં પણ ઘણી દિલથી નીકળવા આપના,

શાયદ તમારા દિલને છૂપૂ કોઇ ઢાંકણ પણ હશે

 

અઘરા જ શબ્દો થી ગઝલ બનતી નથી "વેદાત" બસ,

શબ્દોમાં થોડાતો પરંતુ, કિન્તુ ને પણ, પણ હશે..

 

વિપુલ ( વેદાંત ) 06 / 03 / 14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.