Mar6

સંઘી કરવા કેવી કેવી શરતો એણે રાખી છે.

સંઘી કરવા કેવી કેવી શરતો એણે રાખી છે.
પારેવાની પાંખે જાણે બંદૂકોને બાંધી છે.

વૃક્ષોને ના કાપો એવી ચળવળ ચાલી છે ઘરઘર,
પણ જાહેરાતો એની કાગળના પાને છાપી છે.

ના પૂછો ગાંધીને ભારતની આઝાદીનો મતલબ, 
એણે તો ક્યાં થોડીકે સ્વતંત્રતાને ચાખી છે.

આજે પુસ્તકમાં સૂકાયેલા આ ફૂલોએ પૂછ્‌યું,
બે પાનાની વચ્ચે તેં કોની યાદોને દાબી છે?

કાયમ હસતી હસતી મા પૂછે છે "દિકરા તું જમ્યો"?
તે પૂછ્યું કોઈ'દી એ માને જે અડધી માંદી છે?

તું ફોગટ આપે તો શું મારે પણ લીધા કરવાનું!
થોડી અમથી ખુદ્દારી તો મારાંમાં પણ બાકી છે.

નક્કી ઈશ્વર તું  ખોટા કામોમાં સંડોવાયો છે,
એથી તો તારી સૂરત તેં મારાથી છૂપાવી છે.

વિપુલ ( વેદાંત )13/01/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.