Oct19

પાન ને વાત કીધી હવા એ, જરા આવ તું ભાન માં

પાનને વાત કીધી હવાએ, જરા આવ તું ભાનમાં,
પાનખરની મળી છે મને વાત, લેશે તને બાનમા.

ફૂલની છે દશા નોખી, કાંટા સમીપે વિતી ઝીંદગી
અંતમાં પણ જવું પડ્યુ એને સફેદીના સન્માનમાં.

પીઠ જેણે બતાવી હતી, હાર તોરા થયા માનથી,
ઓઢવામાં તિરંગો મળ્યો છે શહીદોને મેદાનમાં.

પારકા પૈસે પરમાર્થ કીધો ધરી વેશ ભગવો વળી
બંધ આંખે પ્રજા તોય રાખે છે ભગવાનનાં સ્થાનમાં.

આમ તું સાવ છેડો સબંધોનો ફાડીને ક્યાં જાય છે?
બે'ક અરમાન મારા પડેલા છે તારા એ સામાનમાં.

છોડ તિલક ને ટપકા, તજી દે તું માળા ને મણકા બધા,
શોધવો હોયજો એ હરી ,ધ્યાનથી જો તું સંતાનમાં.

વિપુલ -વેદાંત (૧૯-૧૦-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.