Feb23

હું શું કરું?

નમી જાય માથું શરમ થકી, એ સહાયતા નું હું શું કરું? 
મળી નાં શકુ જો સ્વયં ને હું, એ મહાનતા નું હું શું કરું?

કરી પીંજરાની આ કેદથી,  મને મુક્ત એ તો જતાં રહ્યાં, 
મળે નાં વિહાર ગગનમાં તો, આ સ્વતંત્રતા નું હું શું કરું?

લઈ પોટલું શિરે જ્ઞાનનું ,હજી ભટકું છું હું ય દરબદર,  
કરે ભૂખ શાંત ના પેટની, તો આ વિદ્વતા નું હું શું કરું? 

બધી ભાન શાન ત્યજી જતે, તો હરીનાં હેત મળી જતે,
હું ય નરશી થૈ જતે તો પછી, આ સભાનતા નું હું શું કરું?

કરી સ્હેજ આંખને બંધતો, મને મારી માનાં દરશ થયાં 
હવે આંખ ખોલી બહારની, બધી રમ્યતા નું હું શું કરું?

આ જુવાની પણ કરી બેખબર, બધું બાળપણ તો લઈ ગઈ, 
હવે કાનમાં રહી ગુંજતી, બધી વારતા નું હું શું કરું? 

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

दरिया पनपने लगा

शोहरत का नशा ऐसा चढने लगा 
बुंद के मनमे दरिया पनपने लगा ।

दायरा नाम का युं तो फैला बहुत, 
आदमी खुद में लेकिन सिमटने लगा ।

मजहबी नाम लेकर वो आया तो था, 
साँस रुकते ही इंसान लगने लगा ।

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

એ હમણાંથી તો કૈંક એવું કરે છે.

એ હમણાંથી તો કૈંક  એવું કરે છે. 
હવે રૂબરૂ બંધ આંખે મળે છે.

ખબર થૈ છે મારાં પ્રણયની પવનને, 
સુગંધો ભરી ત્યારથી એ ફરે છે.

ફુટી યાદનાં બીજની જ્યારે કુંપળ, 
દિવસ થી વધું રાતમાં એ વધે છે.

અડોઅડ બે સાંકળ કરી લાગણી ની
હવે જોડતી એક કડી બસ ઘટે છે.

અરીસાની સામે હું હસતો ઉભો છું,  
ને પ્રતિબિંબમાં કોણ ડુસકા ભરે છે?

બની જાય છે સાંજે લાચાર સૂરજ, 
ખુશીથી નહીં પણ નિયમથી ઢળે છે.

બતાવો જો વેદાંત કોઈ ને ખામી, 
તરત આયના એય સામે ધરે છે.

વિપુલ માંગરોળિયા (વેદાંત)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

નાદમાં ને શૂન્યતામાં તું નથી તો કોણ છે?

નાદમાં ને શૂન્યતામાં તું નથી તો કોણ છે? 
ના કશામાં પણ બધામાં તું નથી તો કોણ છે?

કોઈ બાળકનાં પ્રસવ ટાણે જે આંખોમાં ઉગે,
અશ્રુની એ ભવ્યતામાં તું નથી તો કોણ છે? 

શબ્દનાં વસ્ત્રો સજાવી જ્યાં પરીઓ જન્મતી,
બાળપણની વારતામાં તું નથી તો કોણ છે?

એકલાં હાથે ઝઝૂમે છે જગત સાથે સદા, 
બાપનાં એ બાવડામાં તું નથી તો કોણ છે?

પાનખરનું દર્દ સઘળું સાચવી બેસી રહે, 
બાગનાં એ બાંકડામાં તું નથી તો કોણ છે?  

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 6/12/15

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

હવે તો અહીં પાનખર પાંગરી છે.

અવસ્થા હજી ક્યાં અમારી સરી છે, 
હવે તો  અહીં પાનખર પાંગરી છે.

ઉપરછલ્લી છે શુષ્કતા આમતો આ,  
હજી છેક અંદર તો લીલોતરી છે.

ખુશીની પળોમાંય છલકાઈ આંખો,
અમુક લાગણી આજ પડખું  ફરી છે.

કરે રોજ બદનામ એને ભલે સૌ, 
ન હો મોત તો જીંદગી આકરી છે.

કરી પાર દરિયો અમે જ્યારે બેઠાં 
એ કાગળની હોડી ઘણી સાંભરી છે. 

સહી વેદના જે અમે જીંદગી ભર,
કરચલી સ્વરૂપે નિશાની કરી છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )  5/11/2015

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

એક નાનકડો ઉઝરડો, કારમો ઘા લાગે છે.

બદનસીબીનાં જે કોઈને તમાચા લાગે છે,  
એક નાનકડો ઉઝરડો, કારમો ઘા લાગે છે.

ઠેકઠેકાણે અહીં સળગે મહાભારત હજી  
કૌરવોની જેમ સૌનાં કાન કાચા લાગે છે.

એક બાળક એટલાં વિશ્વાસથી લખતું રહ્યું , 
જાણે કે પોતેજ પોતાનું  વિધાતા લાગે છે.

રાહ લાગે છે મને તારાં જ ઘરની આ હવે, 
જે મને સામે મળે છે આજ સારા લાગે છે.

સ્હેજ પણ ઘરડાં થયાં નાં ચાંદ ને સૂરજ હજી, 
રોજ ક્ષિતિજ પર જઈ ઝાકળ થી ન્હાતા લાગે છે.

એટલે પાછો ફર્યો ઈશ્વરનાં દ્વારેથી હું પણ, 
દુ:ખ હવે ઈશ્વરનાં, મારાથી સવાયા લાગે છે.

આગમન ટાણે રૂદન ને હાશ હો અંતિમ પળે,
બસ બે પળ ને બાદ કરતાં સઘળી માયા લાગે છે.

જ્યારથી મારીજ અંદર હું મળ્યો છું ત્યારથી, 
આયના "વેદાંત", જગનાં સાવ ઝાંખા લાગે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

સમય પર સબંધો ને જે સાંકળે છે,

સમય પર સબંધો ને જે સાંકળે છે, 
હકીકતમાં એને સફળતા મળે છે.  

કરે  આંખ આડા અહીં કાન કોઈ, 
ઘણાં ભીંત સોંસરવું પણ સાંભળે છે.

ઉછીના પ્રકાશે કર્યા ઘરને રોશન, 
ને તડકો બધો બારણે ટળવળે છે.

અહમ્ ને મેં તેજાબમાં પણ ડુબાડ્યો , 
છતાં સ્હેજ પણ ક્યાં હજી ઓગળે છે!

હતી ભક્તિ નવધા એ નરશીની એથી
ખબર ના રહી હાથ એનાં બળે છે.

મળીને ગયા એ મને આમ હમણાં, 
હવે મારી અંદર આ શું ઝળહળે છે?  

હતી યાદ મીઠી ને દર્દોય મીઠાં,
તો આંસું માં ખારાશ ક્યાંથી ભળે છે? 

કબર પર આ વેદાંતની ફૂલ રાખો,
હજી એની ભીતર ગઝલ સળવળે છે. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

ભારો બાવળ?, ટુકડો ચંદન?.

રોમે રોમે જાગે કંપન,
તો વગડો પણ બનશે મધુવન.

પ્રેમ થશે તો આવી જાશે,
તારાં દિલમાં મારૂં સ્પંદન.

સામે જોઈ બાળક મલક્યું, 
ત્યારે સમજાયું સંમોહન.

બિલ્ડીંગોનાં જંગલ વચ્ચે, 
ટહુકાનું થાતું નિસ્યંદન.

ઘરડાઘરનાં ઉદઘાટનમાં,
કરવું શું સૌને સંબોધન?

વિષ પીનારો મળશે કોઈ, 
પાછું કરીએ સાગર મંથન.

નક્કી કર તું, શું જોતું છે? 
ભારો બાવળ?, ટુકડો ચંદન?.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

आंखमें धुआं सा छाया हैं

हमारी हसरतों को इस कदर हमनें मिटाया है, 
बुझाई आग फिर भी आंखमें धुआं सा छाया हैं ।

फकत शमशीर के ही जोर से जीता नहीं जाता, 
कई दुश्मन को तो हमने निगाहों से हराया है ।

उसे बस आसमां मिलने की थोड़ी सी जरूरत है, 
परींदो को किसीने क्या कभी उडनां सिखाया है ?

दिवाने लूट ना जाए उन्हें  शायद इसी डर से 
सितारों ने यहाँ से दूर अपना घर बनाया है ।

अगर हैं जुस्तजू तेरी, यहीं  जन्नत को पानेकी, 
लिपट जा मा के आंचल से वो उसका ही तो साया है ।

ये मुमकिन है हवा भी रुख बदल देगी कभी अपना,
यही तो सोचकर हमने चिरागों को जलाया हैं ।

हिफाजत जिंदगी की आज हमनें सौंप दी ऐसे, 
हमारी खुद की सांसोको ही पहरे पे बिठाया है । 

विपुल मांगरोलिया ( वेदांत ) 15/09/2015

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

તારાં એક એક પગલે અહીં હૈયું પથરાવ્યું , 
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

જાણી જોઈ ખુલ્લા મુકી બારણાં ને બારી,
આંખ આડા કાન કરે ગોપીયુ બિચારી, 
પાછી હરખે સૌને કહે  માખણ ચોરાયું
         તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

એક તારાં હોઠોનાં આલિંગન કાજે, 
લાજ મુકી વાંસડાએ જંગલની આજે, 
નિર્વસ્ત્ર થઈને એણે તનને વિંધાવ્યું,
           તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

બદલ્યા છે વહેણ આજ નીરે જમુનાનાં, 
કાંઠા બન્યા છે જાણે નેણ જશોદાનાં, 
ગામ આખેઆખું એનાં પૂરમાં તણાયું,
            તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

મોરલીની ફુંક જાણે સાદ તારો થઈ ગઈ ,
જગની સાથે રાધા ખુદને વિસરી ગઈ,
નામ બીજા કોઈનું નાં એનાં મોઢે આવ્યું, 
            તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in ગીત
Feb23

જો આ શબ્દોને થોડી ધાર મળશે

ન એનાં જેવું કો હથિયાર મળશે, 
જો આ શબ્દોને થોડી ધાર મળશે.

જો જોવી હોય સપનાઓની દુનિયા, 
તો ટહુકાઓ ની પેલે પાર મળશે.

વસંતે હામ ખરવાની હો એવાં, 
ગણીને પાંદડા બે ચાર મળશે

ડુમા સઘળાં બને હિબકા પછીતો, 
જો કોઈ વાત સાંભળનાર મળશે.

લગાવે મેષ જ્યારે ગાલ પર મા,
જગતનો શ્રેષ્ઠતમ શ્રૃંગાર મળશે.

હવે સંવેદના ક્યાં છે  મિલનમાં 
મળે માણસ તો બારોબાર મળશે.

આ તો વેદાંત, જંગલ માણસોનું 
અહીં વૃક્ષોનો બસ આકાર મળશે. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

એક ટહુકો બસ સવારે જોઈએ

કૃષ્ણ જેવો કોઈ હારે જોઈએ.
આટલાંથી શું  વધારે જોઈએ,

આખું જંગલ મેં કદી ક્યાં માંગ્યું છે, 
એક ટહુકો બસ સવારે જોઈએ.

લાગશે ના ઘર નહીંતર ઘર સમું, 
એક દિકરી ઘરમાં તારે જોઈએ.

છો અલગ બેઠાં રહો એક નાવમાં,
સાથ તો સાચો  કિનારે જોઈએ.

બોલશે પાદરનાં પાળીયાઓ પણ ,  
એક દાંડી બસ નગારે જોઈએ.

લાગણી સઘળી બતાવી દઉં તને, 
પણ હ્રદય છાતી બહારે જોઈએ.

રાખું છું એને હથેળીમાં સદા,
બોલ ઈશ્વર જીવ ક્યારે જોઈએ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

જીંદગી, જડતી નથી

એ મન મુકી રડતી નથી ને મન ભરી હસતી નથી, 
જે સ્કૂલનાં દફતરથી નિકળી જીંદગી, જડતી નથી.

સૂરજમુખી સમ આંખને લાગી નજર કોની ભલા,
અડધી વિતી ગઈ રાત તો પણ કેમ એ ઢળતી નથી.

ખોબો ભરીને સ્કુલની માટી  મેં કુંડામાં ભરી,
બચપણની એમાંથી છતાં સોડમ હવે ઉગતી નથી.

બાળકની માફક હું રડી શક્તો નથી બસ એટલે, 
દિકરીને ભીની આંખ મારી સ્હેજ પણ ગમતી નથી.

કાદવ ભરેલા પગ લઈ ઘર જાવ જાણીજોઈને 
પણ લાકડાંની ફ્રેમમાંથી બા હવે વઢતી નથી.

ઈચ્છાઓનાં દરીયામાં આશાની ઉતારી નાવ , પણ
આગળ નથી વધતી અને પાછી હવે ફરતી નથી.

સીધી સરળ રાજા ને રાણીની કહી દે વારતા 
આ વેદ કે વેદાંત ની વાતો સમજ પડતી નથી.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

તણાઈ ગયું

ધસમસતી 
જીંદગી માં જીવન 
તણાઈ ગયું

-

Posted in હાઈકુ
Feb23

ચાલ ઉજવી એ રક્ષાબંધન

કાંડા પર દોરાનું બંધન, 
નોખાં દિલ પણ એકજ સ્પંદન, 
           ચાલ ઉજવી એ રક્ષાબંધન. 
ખીલ્યું પુનમનું  અજવાળું  , 
સ્નેહ ભર્યું સરવર છલકાણું, 
થાય ન એ દ્રશ્યોનું વર્ણન, 
            ચાલ ઉજવી એ રક્ષાબંધન. 
આંગળીએ તું કંકુ લેજે 
ચોખાને ચપટીમાં ભરજે,  
હું નમાવું મસ્તક આગળ, 
            ચાલ ઉજવી એ રક્ષાબંધન.
નાની થઈને ધાક જમાવે,
મોટી થઈ તું લાડ લડાવે, 
મા દિકરીનો છે તું સંગમ,
            ચાલ ઉજવી એ રક્ષાબંધન. 
 

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in ગીત
Feb23

હૈયામાં હો પીડા તો પણ મા હોઠે તાળા રાખે

એમ કરી એ સંબંધોને કાયમ હુંફાળા રાખે, 
હૈયામાં હો પીડા તો પણ મા હોઠે તાળા રાખે.

ગંગા જો ઉતરે ધરતી પર તો એ ઝીલાય જટામાં, 
પણ ઝાકળ માટે ફૂલો એનાં તન સુંવાળા રાખે .

સુખની માફક દુખનાં દહાડા ક્યાં ટકવાનાં છે, તો પણ,  
ખોતરવાની આદત વાળા ઝખ્મોને આળા રાખે .

કૈંક મનોરંજન તો જોઈએ ઈશ્વરને પણ એથી,
મુંગા વૃક્ષો સાથે માણસ નામે તરગાળાં રાખે.

સૌને ખુદની સુંદરતાના નોખાં નોખાં ધોરણ છે,
જર્જર ખંડેરો પણ પોતાની અંદર ઝાળાં રાખે.

કાગળ પર લીલા રંગે  આડા અવળા લીટા દોરી
વૃક્ષો ચીતરાવો તો શું પંખી એમાં માળા રાખે 

વેદાંત કરે છે એકજ ફરિયાદ તને ઓ રંગારા,
રંગીન ધરા પર શાને તું પડછાયા કાળા રાખે ?

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

દોસ્ત તું ક્યાં જાય છે?

આંખમાં રમખાણ  લઈને દોસ્ત તું ક્યાં જાય છે? 
રાહમાં ટોળાં ની આજે શાંતિ રગદોળાય છે.

પારકા ત્યાં કોઈ ક્યાં છે આપણાં છે આ બધાં, 
વાર કરશો જ્યાં અહીં ગુજરાત ઘાયલ થાય છે.

વિપુલ માંગરોલીયા 

-

Posted in મુક્તક
Feb23

સ્હેજ માંથી ઘણું કરી બેઠો

સ્હેજ માંથી ઘણું કરી બેઠો,
પણ પછી ખુદને અવગણી બેઠો.

ઝાડની જોઈને આ એકલતા 
પાનખરમાં હું પાંગરી બેઠો.

વાત નિકળી ગઝલની ત્યારે હું, 
એક જણની સભા ભરી બેઠો *

એક સૂરજ દિવસથી કંટાળી, 
આભનાં છેડે ઓગળી બેઠો.

ઘરનો ચૂલો  સળગતો જેનાંથી 
એજ તણખો હું ઓલવી બેઠો.

વ્હેંત અધ્ધર થયો પછી એ રથ,
થૈ ને જ્યારે એ સારથી બેઠો?

હાંડલે માંડી કુસ્તી , પણ નરશી,
ગામ આખાને નોતરી બેઠો.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

બતાવી ગયું મને.

આંખોમાં સ્હેજ નૂર લગાવી ગયું મને, 
એક સપનું ઉંઘમાંથી જગાવી ગયું મને.

તોફાન કોઈ રેતના, ફાવી શક્યા નહીં.  
એક ઝાંઝવું આ રણનું  હરાવી ગયું મને.

આરંભ થાય એનો કદી અંત પણ થશે,
એક પાંદડું ખરી ને બતાવી ગયું મને. 

પચરંગી જીંદગીમાં સદા રાચતો રહ્યો, 
અંતે સફેદ કપડું સજાવી ગયું મને.

મજબૂત ડાળખી હતો હું વૃક્ષની છતાં, 
એક ફૂલડાં નું હેત નમાવી ગયું મને. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

બીજા શબ્દોમાં કહું, જીંદગી માણું છું.

કોઈ અઘરા નિયમ પણ હું ક્યાં પાળું છું,  
બીજા શબ્દોમાં કહું, જીંદગી માણું છું.

વિદ્વતા બોજ લાગે નહીં એટલે, 
બાળકો જેટલું  જ્ઞાન હું રાખું છું.

ખુદની ગરમીથી ત્રાસી જતાં સુર્યને, 
સાગરે ડૂબકી મારતો   ભાળું છું.

એક ને એક અગિયાર કર તો ખરો,  
એક ને એક  બે તો હું પણ જાણું છું. 
  
ટૂંટિયાની ટેવ પાડી નથી કોઈદી, 
પગ પ્રમાણે હું ચાદર ને લંબાવું છું. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

એ વિચારે પાર્થનું ગાંડીવ અચકાયું હશે

એ વિચારે પાર્થનું ગાંડીવ અચકાયું હશે. 
શત્રુઓનાં પક્ષમાં પણ કોઈ તો  સારું  હશે !

છે મનોરંજન બધાને આપણાં મતભેદનું,
પણ અહીં નુકશાન કાં તો તારું કાં મારું હશે. !

ગામની ઉજ્જડ ગલીમાં એટલે તો જાઉં છું, 
કંયાક તો સંવેદનાનું કોઈ સરનામું હશે !

એટલે સૌને ડરાવે છે સદા અંતિમ ઘડી ,
આપણો ઉત્સવ હશે પણ આંખે અંધારું હશે !

કોઈ વાવડ જો મળે માને શહાદતનાં પછી,
દિલનું ગૌરવ  , આંખનાં થૈ આંસું, છલકાયું હશે

એજ કારણથી પલાશે પુષ્પ પણ ખિલતા રહ્યા, 
નગ્નતા જોઈ આ જંગલ સ્હેજ શરમાયું હશે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

ધ્વસ્ત થયેલા ઘરની પાછળ હાથ સૌ ઘરનાં હતાં.

સંકેત એમાં ક્યાં કશે પણ  કોઈ ગળતર નાં હતાં, 
ધ્વસ્ત થયેલા ઘરની પાછળ હાથ સૌ ઘરનાં હતાં.

છોડી દિધું મેં એટલે સપનાઓ જોવાનું હવે, 
આ કાચ જેવી ઉંઘનાં સપનાંય પથ્થર નાં હતાં.

કાયમ રહીને સાથ કોઈદી મળી પણ ક્યાં શક્યા, 
પૂછો જે કોઈને તે કે'શે , વાંક અવસરનાં હતાં. 

હું કોણ છું ? શું કામ છે મારું?  અને શું નામ છે? , 
આશ્ચર્ય તો ત્યારે થયું, આ પ્રશ્ન ઈશ્વર નાં હતાં.

મંઝિલ ની ચાહતમાં મજા છોડી બધી રસ્તાઓની, 
ટોચે પહોંચીને મળ્યા આનંદ, પળભરનાં હતાં. 

લડતાં રહ્યા એ યુધ્ધમાં માથા વગર પણ ધડ ઘણાં 
કારણ ફક્ત એવું હતું કે શત્રુ ટક્કર નાં હતાં.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

કાં તો થશે કાં નથી થવાનું

કાં તો  થશે કાં નથી થવાનું 
પછી અલગ શું વિચારવાનું.

પ્રણયમાં એ કામ છે હ્રદયનું,
કાં આપવાનું કાં રાખવાનું. 
  
સ્વભાવમાં હોય છે ઘણાં નાં,
મફત હો ,તો ઝેર પી જવાનું.

છે માવતરની હવે એ દ્વિધા, 
ખબર નથી કોણ રાખવાનું.

તમે તો સૂઈ ગયા નિરાંતે, 
દઈને અમને આ જાગવાનું.

ભિનાશ આંસું માં કેટલી છે?  
એ તો કઈ રીતે માપવાનું.

ગમે નાં વેદાંત કોઈ કલરવ, 
તો શું હવે  ઝાડ કાપવાનું?

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

એમાં ખોટું શું છે?

ઘર છે તો મતભેદ થોડા થાય એમાં ખોટું શું છે? 
આપણાં છે એજ તો ખિજવાય એમાં ખોટું શું છે?

ઈશ્વરે આપ્યો છે ઈશ્વરનો દરજ્જો એને એથી, 
મા ને પણ તું કારે બોલાવાય એમાં ખોટું શું છે?

પુત્રનાં સંસ્કાર બાબત છોડ રડવાનું હવે તો, 
તે જ આપેલા તને દેખાય એમાં ખોટું શું છે? .

હોય મસ્તક એનું ઉન્નત જે ખુમારીથી જીવે છે 
ચાલવાં માટે નીચું જોવાય એમાં ખોટું શું છે? .

માવતર ઘડપણમાં બાળક જેમ બનતાં જાય ત્યારે, 
વાત તારી એને ના સમજાય એમાં ખોટું શું છે?

શૂન્ય માંથી  તે અહમ્ ને એવડો મોટો કર્યો છે  
એ તને આખો ડુબાડી જાય એમાં ખોટું શું છે? .

રોજ ખામી વેદ ને વેદાંતની કાઢ્યા કરે પણ,
ખુદની અંદર કોઈ જો ડોકાય એમાં ખોટું શું છે? .

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

અંતરથી જો તારી ઈબાદત હશે

અંતરથી જો તારી ઈબાદત હશે, 
સો દર્દની સામે સો રાહત હશે,

સૌ બંધ મુઠ્ઠી સાથે જન્મે અહીં 
શું  સૌની પાસે વાત અંગત હશે?

છોડીને આંખો આંસું નિકળી ગયા, 
આંખોની સાથે શું અદાવત હશે?

ટોળાં માં રૈ'ને પણ રહે એકલો,
નક્કી પ્રણયની કોઈ બાબત હશે.

ચાલ્યો અચાનક સૌને રડતાં મુકી, 
બસ એકલા રેવાની આદત હશે.

આવો ગળે એકથી, ગળે લાગે એક,
જીવન મરણ નો આ તફાવત હશે.

તરણાં બચે "વેદાંત" તોફાનમાં, 
કારણ એ પાછળનું નજાકત હશે. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

ક્યાંથી આમાં બરકત આવે

ક્યાંથી આમાં બરકત આવે,
ઘરનાં દીવા ઘર સળગાવે.

લોટા જેવી રાખે નિયત ,
ભાર જણાશે ત્યાં જ નમાવે. 

બબ્બે મોઢા રાખી ફરતાં, 
કોણ પછી એને બોલાવે.

કથની થી કરણી છે નોખી, 
બગલા ને પણ એ શરમાવે.

મૂક બનીને  બેસે ત્યારે,
ખુદને જાણે સંત ગણાવે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in હઝલ
Feb23

વાત સાદી છે પણ મોડી સમજાય છે

કોઈને ક્યાં હવે સાચું કહેવાય છે! ,?
વાત સાદી છે પણ મોડી સમજાય છે.

મોતનું માન એ રીતે જળવાય છે, 
શ્વાસ પણ બહારનો બ્હાર રૈ જાય છે.

એક પથ્થરને જ્યાં માર્યું એક ટાંકણું, 
ત્યાં હવે રોજ આશાઓ ઠલવાય છે.

લાગે છે  જે ફક્ત બાગનો બાંકડો, 
ત્યાંજ વૃદ્ધોનાં નિસાસાઓ સચવાય છે  

એવું માણસ શું સાથે લઈ જાય છે? 
કે વજન લાશનું પણ વધી જાય છે,

દુર્દશા નો થયો ફાયદો એટલો,
જ્યાં જુઓ ત્યાં હવે નામ ચર્ચાય છે.

મૌન છલકાય વેદાંત કાગળથી  જો,
એક સાચી ગઝલ તો જ સર્જાય છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

રઝળપાટ છે

પગની રેખામાં એવી અલગ ભાત છે?
આ બધી એટલે તો રઝળપાટ છે

સાવ ખુલ્લા પગે દોડતી  જાય છે, 
તોય સંવેદનાઓને ક્યાં થાક છે !

જંગલો કેમ વેરાન બનતાં ગયાં? 
શું આ વૃક્ષોની વચ્ચેય વિખવાદ છે?

રાહ ભટકે નહીં  એકલું એટલે, 
પીંછું પણ તીરનો એક આધાર છે.

રોજ રાત્રે મરી પાછું જીવતું થવું, 
એજ ભગવાન હોવાનો અણસાર છે.

સ્વર્ગ કે નર્ક બાબત નું તો એવું છે ,
સાવ પાક્કુ નથી, એક અંદાજ છે.

હાથ જોડો કે ખોલો ફરક શું પડે?
પ્રાર્થના માં નમે માથું તો સાર છે.

લાશ એમાંથી દરરોજ નિકળે હજી,
શું હ્રદય લાગણીનું કબ્રસ્તાન છે? 

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
Feb23

કૈંક ગણગણાટ છે,

બધાય અક્ષરો ની વચમાં કૈંક ગણગણાટ છે,
અનોખા ભાવની ગઝલ પ્રસવની એને વાટ છે.

ને જ્યારથી આ ઝાંઝવું કલમ થકી ઉતાર્યું છે 
આ ચેતના વિહોણા કાગળે ય સળવળાટ છે.

શું કામ વ્યર્થ આંસું સારો છો તમેય ક્યારનાં, 
રુમાલ એમની કને ઘણોજ મોંઘો દાટ છે.

હજી અડગ ઉભું છે કૈંક તારલા ખર્યાં પછી, 
આ આભ પાસે  કેટલાં સિતારાનાં કબાટ છે?  

એ ભૂખથી જ તરફડી મરી ગયો પછીય પણ 
હજી અમીરીની એ હસ્ત રેખા ઝળહળાટ છે.

ને અંતમાં હું એટલે માનાં પગે પડી ગયો 
નજર પડે છે ત્યાં બધેજ ઈશ્વરોની હાટ છે. 


વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૫-૧૬
.